દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા નજીક આવેલા ઈન્ડીયન મોલાસીસ કંપનીના ટર્મીનલમાં આવેલા 303 નંબરના ટાંકામાં સોમવારના બપોરે અચાનક ધડાકો થયો હતો અને તેનું કવર ઉડીને નીચે પટાકાયું હતુ. આ ક્ષણે તેના પર એક કંપનીના કર્મચારી સાથે ત્રણ અન્ય મજુર કામ કરી રહ્યા હતા, જે પણ તેની સાથે ફંગોળાયા હતા, જેમના પર કેમીકલ પડતા અને ફંગોળાતા ગંભીર ઈજાઓ પહોચતા ચારેયનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. વિસ્ફોટ બાદ ટાંકામાં જ્વલનશીલ લીક્વીડ મિથેનોલ હોવાથી તુરંત આગ ફાટી નિકળી હતી. જે બીજા દિવસે પણ સતત ચાલુ છે.
સ્થળ પર પોર્ટ, ઈઆરસી સહિતના ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે તો બીજી તરફ આસપાસના ટર્મીનલ તથા અન્ય સ્ત્રોતથી ફોમનો જથ્થો મંગાવીને તેનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. ટાંકાની આસપાસ અન્ય એક ટાંકો પણ ભરેલો હતો, જેને ખાલી કરી દેવાયો હોવાનું કંપનીના સુત્રોએ જણાવ્યું હતુ. ટાંકામાં જાણવા જોગ અનુસાર 1700 ટન જેટલુ મિથેનોલ છે તો તેને બહાર કાઢવા માટેની પ્રક્રિયા બીજા દિવસે સાંજે શરુ કરાઈ હતી. જો તમામ જથ્થો બહાર કાઢી દેવામાં આવે તો આગ પર રાત્રીનાજ સંપુર્ણ કાબુ આવી શકે તેવા સંજોગો ઉભા થઈ રહ્યા છે. તેમ આઈએમસીના ફીડબેક આપતા પીઆરઓ ઓમ દાદલાણીએ જણાવ્યું હતુ. સ્થળ પર બીજા દિવસે ડેપ્યુટી ક્લેક્ટર જોશી, પોર્ટના અધિકારીઓ સ્થિતીની સમીક્ષા કરવા આવ્યા હતા. તો આઈએમસી કંપનીના હેડક્વાટરથી મુખ્ય અધિકારીઓ આવી પહોંચ્યા છે.
કઈ રીતે ચાલ્યું ઓપરેશન
જે ટાંકામાં આગ લાગી છે તેમાં 1700 ટન જેટલુ મિથેનોલ ભરેલું હતુ. આટલો સમય સતત આગ ચાલતી હોવાના કારણે તેનો ઘણો જથ્થો બળી ગયો હોવા છતાં જલદી બુઝાવવા તેને કાઢવાના પ્રયાસ મજબુત પાઈપ લગાવીને કરાઈ રહ્યા છે. જે થકી તે ટાંકામાંથી ફોમ અને પાણી મીશ્રીત થઈ ગયેલા મિથેનોલને કાઢીને બાજુના ખાલી ટાંકામાં સ્થળાતર કરાઈ રહ્યું છે. આ પાઈપનું તાપમાન પણ બહુ ગરમ ન થઈ જાય તે માટે બ્રેક અપાઈ રહ્યો છે.
મૃતક મજુરોના પરીવારજનોને અપાયું વળતર
ઘટનામાં મોતને ભેટેલા ચારમાંથી ત્રણ લેબર કોન્ટ્રાક્ટર થકી કામ કરી રહ્યા હતા. જેમને વ્યક્તિગત રીતે 3.15 લાખ જેટલુ પ્રાથમિક વળતર તાત્કાલીક સ્થિતીઓના આધારે ચુકવવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અને હજુ પણ વિમા, પેન્શન સહિતની જે કામગીરી કરવાની થાશે તે પણ કોન્ટ્રાક્ટર દ્વારા કરી આપવામાં તેવી ખાત્રી આપવામાં આવી છે.