30 વર્ષ જૂનો બંગાળી કારીગર ભુજના સોની વેપારીઓની 50 લાખની ટોપી ફેરવી ગયો ! - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, January 23, 2020

30 વર્ષ જૂનો બંગાળી કારીગર ભુજના સોની વેપારીઓની 50 લાખની ટોપી ફેરવી ગયો !

શહેરમાં સોની વેપારીઓના દાગીના બનાવનારા બંગાળી કારીગરો સોનુ અને રકમ લઇને પોતાના વતન રફુચક્કર થઇ ગયા હોવાની છ માસમાં બીજો બનાવ સામે આવ્યો છે. છેલ્લા ત્રીસ વર્ષથી પોતાના પરિવાર સાથે ભુજમાં સ્થાઇ થયેલો એક બંગાળી કારીગર 10થી 15 સોની વેપારીઓની ટોપી ફેરવી નાસી છુટયો હોવાના સમાચાર છે. વિશ્વાસમાં લઇ દાગીના લઇ બીજા દિવસે પરત આપી જવાનું કહી રવિવારથી દેખાયો જ નથી. આશાપુરા રીંગ રોડ પર જયાં તે દાગીના બનાવતો હતો તે દુકાનને પણ તાળા લાગેલા દેખાયા હતા. આ બંગાળી કારીગર કચ્છી બોલતો પણ શીખી ગયો હતો.
શહેરના આશાપુરા રીંગરોડ પર આવેલી દુકાનમાં શહેરના સોની વેપારીઓના દાગીના બનાવતો કારીગર મુતીન મુળ વેસ્ટ બેંગાલનો હતો. છેલ્લા ત્રીસ વર્ષથી તે ભુજમાં રહી સોની વેપારીઓના દાગીના બનાવતો હતો. લાંબા સમયથી વેપારીઓ સાથે સબંધ હોવાથી વિશ્વાસ પણ કરતા અચકાતા ન હતા. શુક્રવાર અને શનિવારે તે વેપારીઓ પાસેથી ગ્રાહકોને દેખાડવાના નામે સોનાના દાગીના લઇ સોમવારે પરત આપી દેવાનો વાયદો કર્યો હતો.
શહેરના 10થી 15 સોની વેપારીઓ પાસેથી તે એવી રીતે ટુકડે ટુકડે સોનાના દાગીના અને કાચો માલ લઇ અંદાજે 50 લાખ રૂપીયાના સોનું લઇ રફુચક્કર થઇ ગયો હતો. આ બંગાળી કારીગર ભુજમાં પરીવાર સાથે રહેતો હતો, તો તેના પુત્ર-પુત્રી ભુજની સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં અભ્યાસ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી ભુજમાં તે રહેતો હોવાથી અને વેપારીઓ સાથે સંકળાયેલો હોવાથી વેપારીઓ તેના પર વિશ્વાસ કરતા અચકાતા ન હતા અને તેણે વિશ્વાસઘાત કરી તે રફુચક્કર થઇ ગયો હતો.
આશાપુરા રીંગ રોડ પર આવેલી દુકાન પર ભોગબનેલા વેપારીઓ પહોંચ્યા ત્યારે દુકાનને તાળા લાગેલા દેખાયા હતા. ઘરે જોવા ગયા તો ત્યાં પણ તાળા લાગેલા હતા. ફોન નંબર બંધ આવતા અને કાંઇ અતોપતો ન મળતા બંગાળી કારીગર ‘કરી ગયો’નું અહેસાસ વેપારીઓને થયો હતો.
મંદીને કારણે આવા બનાવ વધવાની ભીતિ
આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, સોનુ 40 હજાર આસપાસ છે અને માર્કેટમાં મંદીનો માહોલ છે. ઘરેણા વેચાતા ન હોવાથી સ્વાભાવિક છે કે કારીગરોને ઓર્ડર ન મળે. કારીગરો પાસે કામનું ભારણ ન હોવાથી આવા બનાવો વધશે તેવી ભિતી પણ વ્યકત કરાઇ હતી.
અગાઉ ખુદ ભોગ બન્યો હોવાની ચર્ચા
જે કારીગર સોની વેપારીઓની 50 લાખની ટોપી ફેરવી ગયો છે તે ખુદ અગાઉ ભુજ અને અબડાસા પંથકમાં આવેલા સોની વેપારીઓનો ભોગ બની ચુકયો હતો. ઓર્ડર આપી તેના સાથે છેતરપિંડી કરી હતી.
6 માસ પૂર્વે 1 કરોડનો ચૂનો લાગ્યો હતો
એક વેપારી પાસેથી તઘડો વ્યાજ ચૂકવી 10 લાખ લીધા, તેને ત્રણ માસ સુધી નિયમિત વ્યાજ ચૂકવ્યું. બીજા વેપારી પાસેથી 20 લાખ લીધા અને જે વેપારી પાસેથી 10 લીધા તેનુ રેફ્રન્સ આપ્યું. 20 લાખનું પણ વ્યાજ ત્રણેક માસ સુધી નિયમિત ચુકવ્યું. તો પછી 50 લાખ લીધા જેમાં તેણે 10 અને 20 લાખ આપેલા વેપારીનું રેફ્રન્સ બતાવ્યું અને પછી પૈસા લઇ ભાગી ગયો હતો.