ફર્રુખાબાદ જિલ્લાના મોહમ્મદાબાદના કર્તિયા ગામના સુભાષ બાથમે પોતાની બાળકીના જન્મદિવસના બહાને આસપાસના ઘરોના તમામ બાળકોને પોતાના ઘરે બોલાવ્યા હતા. ઘણા સમય સુધી પોતાના બાળકો ઘરે પરત નહીં ફરતા તેમના માતા-પિતા તેમને બોલાવવા માટે બાથમના ઘરે પહોંચ્યા હતા. બારણું ખખડાવતા બાથમે તેમના પર ગોળીબાર કર્યો હતો. ડરેલા લોકોએ તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી.
જેમના બાળકોને બંધક બનાવાયા હતા તેમના માતાપિતા અને પરિવારજનો ચિંતાગ્રસ્ત બન્યા હતા. પોતાના બાળકોને કેદી બનાવી દેવાથી તેઓએ રોકકળ કરી મુકી હતી. પોલીસના અનુસાર, તેના ઘરની બહાર લોકો જમા થઈ જતા બાથમે પોતાના ઘરની અગાસી પરથી બાથમે ક્રૂડ બોમ્બ પણ ફેંક્યો હતો. પોલીસફોર્સે બાળકોને કોઈ નુકસાન ન પહોંચે એ રીતે તેમને છોડાવવાના પ્રયાસો કર્યા હતા.
આ ઘટનાનું ખુદ યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોનિટરીંગ કરી રહ્યા હતા. બાથમ એક હત્યા કેસનો આરોપી છે અને જામીન પર મુક્ત થયો હતો. પોતાની બાળકીના જન્મદિવસની પાર્ટીના બહાને તેણે આસ-પાસના બાળકોને પોતાના ઘરે બોલાવીને પોતાની પત્ની અને બાળકી સાથે તમામ બાળકોને ઘરના ભોંયરામાં કેદ કરી લીધા હતા.
બાથમે પોતાની સામેના તમામ કેસો રદ કરવાની માગણી સાથે આ બાળકોને બંધક બનાવ્યા હોવાની વાત જાણવા મળી રહી છે. રાત્રે નવ વાગ્યે મુખ્યમંત્રી યોગીએ ડીજીપી, ગૃહ સચિવ સહિત અન્ય મુખ્ય અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે તમામ બાળકોનો આબાદ બચાવ કરવાનો છે. તે માટે બાળકોને બચાવવા માટે તાલીમબદ્ધ પોલીસકર્મીઓની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
રાત્રે 11 વાગ્યે સુભાષે પોતાની પત્ની અને બે વર્ષની બાળકીને ઘરમાંથી બહાર મોકલી હતી. તેના હાથમાં એક પત્ર હતો. તેમાં લખ્યું હતું કે અધિકારીઓએ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ઘર અને ટોયલેટ જેવી સુવિધાઓ આપવાની ના પાડી દીધી હતી. આ ઘટનાક્રમ દરમિયાન સુભાષે પોલીસ સમક્ષ માગ કરી કે તે સ્થાનીક ધારાસભ્યને અહીં બોલાવે. એટીએસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચે ત્યાં સુધીમાં સ્થાનીક પોલીસ બાથમના ઘરમાં ઘુસી ગઈ હતી. ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ તેના ઘર પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. પોલીસની ટીમે તેના ઘરમાં ઘુસીને બાથમને ઠાર કરીને પોલીસે તમામ બાળકોને સુરક્ષિત તેમના પરિવાર સુધી પહોંચાડ્યા હતા. બીજી તરફ ગ્રામજનોએ આ યોજનાનો હિસ્સો રહેલી તેની પત્નીને ઢોર માર માર્યો હતો જેણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
