અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ)માં રાની પશુએ માલધારીના વાડામાં ઘૂસીને 19 જેટલા ઘેટા-બકરાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બનાવને પગલે પશુ પાલન સાથે ગુજરાન ચલાવતા માલધારી પર આભ ફાટી પડ્યું હતું. હિંગોરા હુસેન અલારખ્ખા નામના નાના માલધારીના વાડામાં બપોરે એક વાગ્યાના અરસામાં કોઈ જંગલી જાનવર વાડામાં ઘૂસી જઇને 19 જેટલા ઘેટા બકરાઓના જીવ લીધા હતા. ઘટનાની જાણ થતાં ગામના તથા આજુબાજુના ગામના લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા. સરપંચ રજાક હિંગોરાએ વન વિભાગનો સંપર્ક કરતાં સ્થળ પર તપાસાર્થે આવેલા બીટ ગાર્ડ વિશ્રામ ગઢવીએ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ વિગતો જાણી શકાશે તેમ કહ્યું હતું. ગ્રામજનોના કહેવા મુજબ સાતેક કિલોમીટરના અંતરે રાયધણજર સીમની રખાલમાં એક-બે દીપડાઓ છે તેના દ્વારા આ હુમલો કરાયો હોવાની શક્યતા છે. અગાઉ પણ આવા બનાવ બન્યા હોવાનું લોકોનું કહેવું છે.
