કોરોના લોકડાઉનને કારણે ઘરના બધા સભ્યોને ફરજીયાત ઘરમાં પૂરાઇ રહેવું પડે છે ત્યારે નવરાશના આ સમયમાં જ્ઞાતિની યુવા પેઢીને ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતથી અવગત કરવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજના યુવાસંઘે અનોખી રામાયણ-મહાભારત ક્વિઝનું આયોજન કર્યું છે જેને ભારતભરમાંથી જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે.હાલમાં દૂરદર્શન પર પુન: પ્રસારિત થઇ રહેલી રામાયણ અને મહાભારત સિરીયલ લગભગ તમામ ઘરોમાં જોવાઇ રહી છે ત્યારે પાટીદાર યુવાસંઘ એક દિવસ રામાયણ અને એક દિવસ મહાભારત ક્વિઝ યોજીને નવી પેઢીમાં આપણા ઐતિહાસિક-ધાર્મિક મહાગ્રંથોના જ્ઞાન સિંચનનું કાર્ય ઓનલાઇન કરી રહ્યું છે.અત્યાર સુધી 16 ક્વિઝ યોજાઇ ચૂકી છે જેમાં દેશભરના કુલ 21 રીજીયનમાંથી 50 હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. યુવા સંઘના પ્રમુખ ડો. વસંતભાઇ ધોળુના જણાવ્યા મુજબ જે રીજીયનમાંથી વધુ સ્પર્ધકો ભાગ લે છે તે રીજીયનને યુવાસંઘ દ્વારા પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવે છે.લોકડાઉન દરમિયાન સમાજના ડિજિટલ ડેટાને અપડેટ કરવાનું કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ભારતભરમાં રહેતા કચ્છી પાટીદાર કુટુંબોને ફેમિલી આઇડી ફાળવી સમાજના સભ્યોની તમામ માહિતી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના આ સમાજમાં હવે પૂર્ણતાને આરે છે અને તેને સફળ બનાવવા કેન્દ્રીય સમાજ અને યુવાસંઘે સંયુક્ત રીતે એક વિશેષ ઝુંબેશ આદરી છે.
Wednesday, April 15, 2020
New