૨૦મી તારીખથી જે વિસ્તારોમાં કોરોનાની બહુ અસર નહીં હોય ત્યાં અમુક ધંધા-ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવાની વાત છે અને કેન્દ્રીય ગૃહ સચિવે આજે સવારે તેની તમામ ઝીણી ઝીણી વિગતો સાથે એક ઓર્ડર પણ બહાર પાડી દીધા બાદ હવે ઉદ્યોગગૃહોમાં પણ હલચલ શરૂ થઇ ગઇ છે અને ઠેકઠેકાણે એવી પૃચ્છા થતી રહી હતી કે આની મંજૂરી કોણ આપશે ? એના માટે શું પ્રક્રિયા કરવી પડશે ?સરકારે જ્યાં જ્યાં પરિસ્થિતી સારી છે ત્યાં આ પ્રકારના નાના મોટા ધંધા-રોજગાર શરૂ થઇ શકે અને લોકો પુન: થાળે પડી શકે તે માટે કેન્દ્ર સરકારે પરિસ્થિતીને આધિન રહીને કામકાજ શરૂ કરવાની દિશામાં કદમ માંડ્યા છે. કચ્છમાં પણ એવા સેંકડો કામકાજ છે કે જે આ લીસ્ટ મુજબ શરૂ થઇ શકશે. અલબત, 20મી તારીખે કોરોનાની શું સ્થિતી છે તે મુજબ આ નક્કી થશે.આ સંદર્ભે ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકીઆ)ના મેનેજીંગ ડિરેકટર નિમીષ ફડકે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આવશ્યક ચીજ વસ્તુના ઉત્પાદન સાથે જોડાયેલા એકમોને તો છેલ્લા કેટલાક સમયથી કામકાજ ચાલુ રાખવાની છુટ હતી જ. હવે નવા ઓર્ડર મુજબ એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ યુનીટ અને સ્પેશિયલ ઇકોનોમીક ઝોનના મોટાભાગના એકમોને કામ શરૂ કરવાની છુટ મળી શકે એમ છે. આ સિવાયના પણ કેટલાક એકમોને આનો લાભ મળી શકે એમ છે. હવે આવા તમામ એકમોએ જિલ્લા કલેકટર પાસે પોતાનું એકમ શરૂ કરવા માટે અરજી કરવાની રહેશે અને કલેકટર દ્વારા નક્કી કરવામાં આવેલી શરતોને આધિન રહીને તેઓ પોતાનું એકમ શરૂ કરી શકશે.આ સંદર્ભે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.નો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું હતું કે આજે કેન્દ્રીય ગૃહ સચિવે જે ઓર્ડર બહાર પાડ્યો છે તેના એનેક્ષર-2માં જે શરતો લખાયેલી છે તે શરતો પાળી શકતા એકમો કે જેમને કામકાજ શરૂ કરવાની છુટ મળી શકે એમ છે તેમને શરૂ કરવા દેવામાં આવશે.
Thursday, April 16, 2020
New