રાજ્યમાં કોરોનાના નવા 176 પોઝિટિવ રિપોર્ટ સાથે કુલ 1,272 કેસ, મૃત્યુઆંક 48 - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Saturday, April 18, 2020

રાજ્યમાં કોરોનાના નવા 176 પોઝિટિવ રિપોર્ટ સાથે કુલ 1,272 કેસ, મૃત્યુઆંક 48

=
કોરોના મહામારીએ ગુજરાતને અજદરી ભરડામાં લઈ લીધું છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં કોરોના વધી રહેલા કેસો સરકાર માટે ચિંતા વધારી રહ્યા છે. શનિવારે સવારે કોરોનાની વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે એક દિવસમાં કોરોનાના 176 વધુ પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેને પગલે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,272 પર પહોંચી ગઈ છે. અમદાવાદમાં ચાર સહિત સાત દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 48 પર પહોંચ્યો છે. રાજ્યમાં નોંધાયેલા નવા કેસોમાં એકલા અમદાવાદમાં જ કોરોનાના 143 કેસો સામે આવ્યા છે. મોટાભાગના કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી જ સામે આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
અમદાવાદના ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના વાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુર, બોડકદેવમાં કેસ નોંધાયા હોવાનું ડો. રવિએ જણાવ્યું હતું.
આ ઉપરાંત વડોદરા અને સુરતમાં 13-13 કેસ નોંધાયા હતા જ્યારે રાજકોટ અને ભાવનગરમાં બે-બે કેસનો ઉમેરો થયો હતો. પંચમહાલ, આણંદ અને ભરૂચમાં એક-એક નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.
અમદાવાદમાં આજના મૃતકોમાં ચાર લોકોના સમાવેશ થાય છે અને તમામ સ્ત્રીઓ હોવાનું આરોગ્ય અગ્રસચિવે જણાવ્યું હતું. અરવલ્લીમાં પણ એક 70 વર્ષીય વૃદ્ધાનો પ્રથમ કોરોના કેસ નોંધાયા હતો જેમને હ્રદયની બીમારી હોવાથી તેમનું મોત થયું હતું. વડોદરામાં 60 વર્ષના પુરૂષનું મોત થયું હતું જ્યારે સુરતમાં 36 વર્ષીય મહિલાનું પણ મોત થયું હતું.