ભુજ : સમગ્ર કચ્છના પોલીસ
બેડામાં ચકચાર સર્જતી ઘટનામાં એક
મહિલા અને પુરુષ પોલીસ કર્મી સામે યુવાનો પાસેથી રૂપિયા પડાવવાની ફરિયાદ નોંધાઇ
છે. ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા રોહન રામદાસ નિપાણીકર તેમના મિત્રો સાથે જુગલ
ઠકકર અને વત્સલ સોની સાથે કારમાં ફરવા નીકળ્યા હતા. ત્યારે કચ્છ યુનિવર્સિટીની
પાસે તેમની કારને કોન્સ્ટેબલ હરિ ગઢવી તેમ જ અન્ય મહિલા કોન્સ્ટેબલે અટકાવીને
કારની તપાસ કરવાના બહાને કારમાંથી ગાંજાની પડીકી કાઢી હતી. જોકે, આ યુવાનોએ આ
પડીકી તેમની ન હોઈ તેમ જ તેઓ કોઈ પણ પ્રકારના નશીલા દ્રવ્યોનું સેવન કરતા ન
હોવાનું જણાવ્યું હતું. પરંતુ બંને પોલીસ કર્મીઓએ તેમને ગાંજાના કેસમાં ફીટ કરી
દેવાની ધમકી આપીને એક લાખ રૂપિયા માંગતા અંતે ૫૦ હજારમાં તોડ થઈ હતી. જે પૈકી ૧૫
હજાર રૂપિયા આ યુવાનોના અન્ય એક મિત્ર વોમસી કટુલા પાસેથી એકિસસ બેંકના એટીએમમાંથી
પાસેથી મેળવ્યા હતા. જયારે બીજા ૧૫ હજાર રૂપિયા ગૂગલ પે થી લીધા હતા. ગૂગલ પે માં
રૂપિયા લેનાર તરીકે હરિ ગઢવીનું નામ આવ્યું હતું. જયારે બાકીના ૨૦ હજાર પછી
આપવાનું કહીને ડ્રાઇવિંગ લાયસન્સ તેમ જ એ પડીકી લઈને બન્ને પોલીસ કર્મીઓ ચાલ્યા
ગયા હતા. જોકે, હવે ભુજ બી
ડિવિઝન પોલીસમાં આ ગુનો નોંધાયો છે. આ બનાવમાં મહિલા પોલીસ કર્મીનું નામ બહાર
આવ્યું નથી જયારે આ બન્ને પોલીસ કર્મીઓ ભુજના મહિલા પોલીસ સ્ટેશનના હોવાનું ચર્ચાય
છે. આઈજી સુભાષ ત્રિવેદી અને ડીએસપી સૌરભ તોલંબિયાએ આ દ્યટનાને ગંભીર ગણીને આ
કેસની તપાસ ડીવાયએસપી જે.એન. પંચાલને સોંપી છે. જોકે, આ દ્યટનામાં
પોલીસે ઓન લાઇન એફઆઈઆર ન મુકતા આ વાત પણ ચર્ચામાં રહી હતી. સામાન્ય રીતે તમામ
ફરિયાદો ઓન લાઇન મુકાતી હોય છે.
Friday, March 6, 2020
New
