પધ્ધર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગૌવંશના છ પશુ કતલખાને લઈ જતા બચાવ્યાં - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Thursday, February 27, 2020

પધ્ધર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગૌવંશના છ પશુ કતલખાને લઈ જતા બચાવ્યાં

પુરાસર ગામ નજીકથી ભારે ભાગદોડ અને ફિલ્મી ઢબનાં દૃશ્યો વચ્ચે પીછો કરીને પધ્ધર પોલીસ મથકની ટુકડીએ જીપમાં સંભવત કતલખાને લઇ જવાતાં પાંચ વાછરડા અને એક વાછરડી મળી ગૌવંશના કુલ્લ છ પશુને બચાવી લીધાં હતાં. અલબત્ત જીપનો ચાલક વાહન કીચડમાં ફસાયા બાદ તેને છોડીને નાસી ગયો હતો. આ ઘટનામાં કુકમાથી શેખપીર તરફ આવી રહેલી સફેદ રંગની બોલેરો કેમ્પર જીપને ઊભવા માટે પોલીસે સંકેત આપતાં વાહન લાખોંદ ટોલનાકા તરફ ભગાડી જવાયું હતું. પોલીસે તેના વાહનથી આ જીપનો પીછો કરતાં લાખોંદ ગામ અંદર થઇ ત્રાયા ગામ તરફ જતા કાચા માર્ગ ઉપર જીપ દોડાવાઇ હતી. આ ભાગદોડ દરમ્યાન પુરાસર ગામના તળાવ નજીક જીપ કીચડમાં ફસાઇને ઊભી રહી ગઇ હતી. અલબત્ત તેનો ચાલક વાહન છોડી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસ સાધનોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જીપમાં ઠાંસી-ઠાંસીને ભરાયેલાં પાંચ વાછરડા અને એક વાછરડી મળી ગૌવંશના કુલ્લ છ પશુ મળી આવ્યાં હતાં. પોલીસ ટુકડીએ લાખોંદ, નાગોર અને રાયધણપર ગામના ગ્રામજનોને બોલાવી તેમની મદદથી આ પશુઓ અને જીપને બહાર કાઢયા હતા. પશુઓને પાંજરાપોળ મોકલી અપાયાં હતાં, જ્યારે જી.જે.12-એકસ-6583 નંબરની જીપ કબ્જે લેવાઇ હતી. તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે નાસી ગયેલા આરોપીનું પગેરું દબાવાઇ રહ્યું છે. ગૌવંશના પશુઓને કતલખાને લઇ જતાં હોવાનું મનાઇ રહ્યું છે.