પરિપત્રના મુદ્દે આંદોલન યથાવત : મુખ્યમંત્રીના ફેંસલા તરફ મીટ - NOOTAN KUTCH

Breaking

Subscribe Us

ads header

Friday, February 14, 2020

પરિપત્રના મુદ્દે આંદોલન યથાવત : મુખ્યમંત્રીના ફેંસલા તરફ મીટ

રાજ્ય સરકાર સામેનુ અનામત વર્ગ અને બીન અનામત વર્ગનું લોક રક્ષક દળની ભરતીને લાગુ પડતા પરિપત્ર સંદર્ભનું આંદોલન આજેય યથાવત રહ્યુ છે. અનામત વર્ગે પરિપત્ર રદ્દ કરવાની માંગણી કરી છે. બીન અનામત વર્ગે પરિપત્ર યથાવત રાખવાની માંગણી કરી છે. ગાંધીનગરમાં સરકાર સામે બન્ને જુથની ધરણાની છાવણી છે. સરકાર આ મુદ્દે બરાબરની ફસાઈ ગઈ હોય તેમ લાગે છે. હવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ફેંસલા તરફ બન્ને વર્ગની મીટ છે. બીન અનામત વર્ગે ૩ દિવસથી આંદોલન ચાલુ કર્યુ છે. અનામત વર્ગની પરિપત્ર રદ્દ કરવાની માંગણી સરકારે સ્વીકાર્યાની જાહેરાત બાદ બીન અનામત વર્ગની બહેનો પોતાને અન્યાય થવાની લાગણી સાથે ધરણા શરૂ કર્યા છે. તેને ઉજળીયાત વર્ગના કેટલાક આગેવાનોએ ટેકો આપી સરકાર માંગણી ન સ્વીકારે તો આંદોલન ઉગ્ર કરવાની ચિમકી ઉચ્ચારી છે. ગઈકાલે બીન અનામત વર્ગના સમર્થનમાં આગેવાનોને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે સાંભળ્યા હતા. તેમણે સમગ્ર રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી છે. કોંગ્રેસ વર્ગવિગ્રહ કરાવવા પ્રયાસ કરી રહ્યાનો તેમનો આક્ષેપ છે. બીજી તરફ કોંગ્રેસના આગેવાનો સરકાર જ વાતાવરણ ડહોળી રહ્યાનો આક્ષેપ કરે છે. ગઈકાલે મુખ્યમંત્રી ગાંધીનગરની બહાર પ્રવાસમાં હતા. હવે આજે તેઓ પરિપત્રના મુદ્દે શું રસ્તો કાઢે છે ? તે તરફ લાગતા વળગતા સૌની મીટ છે. પરિપત્ર માટે કાયદાકીય આધારને આગળ ધરવામા આવશે કે સમિતીની રચના જેવું કંઈ કરવામાં આવશે ? તે હજુ સ્પષ્ટ થતુ નથી. સરકાર વ્યવહારૂ રસ્તો કાઢવા પ્રયાસ કરી રહ્યાના નિર્દેશ છે. બન્ને વર્ગના આંદોલનકારો સરકારને ચીમકી આપી રહ્યા છે. રાજ્યના હાલના રાજકીય વાતાવરણ માટે હાલની સ્થિતિ સુખદ જણાતી નથી.