વિશ્વ પ્રખ્યાત સફેદ રણ વચાળે સ્થપાયેલી ટેન્ટસિટીમાં વર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલનો શુક્રવારથી પ્રારંભ થયો હતો. ત્યારે ગઈકાલે રાત્રે પ્રજાસત્તાક દિનની સંધ્યાએ આદિત્ય ગઢવીએ લોકસંગીતમાં ઝવેરચંદ મેઘાણીની રચના ચૌદ વરસની ચારણ કન્યા ગાયું, ત્યારે ધોળીયા એટલે વિદેશી પ્રવાસીઓ પણ ડોલી ઉઠ્યા હતા. આ ઉપરાંત હેલ્લારોનું મીઠાના રણમાં વાગ્યો ઢોલ,હંસલા અને રંગભીની રાધા ગીતમાં પણ રીતસરના હાકોટા પડ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ઠંડીમાં પણ સંગીતપ્રેમીઓએ જકડાઈને કાર્યક્રમને માણ્યો હતો. પ્રજાસત્તાક દિનની સંધ્યાએ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક આદિત્ય ગઢવીએ સૌને ડોલાવ્યા હતા.આ ત્રિદિવસીય ઉત્સવમાં એમટીવી અને કોક સ્ટુડિયોમાં જોરદાર પ્રદર્શન આપી ચૂકેલા સૌરવ મોની અને માજી મલ્લાહ પ્રોજેક્ટ દ્વારા લોકોને તેમના બંગાળના સુપ્રસિદ્ધ ફોક મ્યુઝિક દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા. શનિવારે અહીં નીરજ આર્યના કબીર કાફે અને પયન્ટર ખાંસી એથનિક બેન્ડ દ્વારા સંત કબીરદાસના દોહાઓને બોલિવુડ સાથે મેસઅપ કરી એક અનોખો મ્યુઝિકલ અંદાજ આપવામાં આવ્યો હતો.ટેન્ટસિટીના મેનેજર અમિતભાઇ ગુપ્તાએ જણાવ્યું હતું કે,સાઉન્ડ ઓન વ્હાઇટ સેન્ડનું આ ત્રીજું સફળ સીઝન છે. રણમાં સંસ્કૃતિ અને હસ્તકળા સાથે પ્રવાસીઓને એક અલગ અંદાઝમાં સંગીતનો આનંદ પણ મળી રહ્યો છે.દેશના છેવાડે સફેદરણમાં જાણીતા કલાકરોના સંગીત કાર્યક્ર્મથી દેશ-વિદેશના મહેમાનો પ્રભાવિત પણ થયા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પશ્ચિમ કચ્છ વનવિભાગના એસીએફ ડો.તુષાર પટેલ રહ્યા હતા આદિત્ય ગઢવીએ જણાવ્યું કે,કચ્છની ધરતી અને લોકસંસ્કૃતિ અનોખી છે. અહીંના ભાતીગળ સંગીતે આજે નેશનલ લેવલમાં એવોર્ડ જીતી વિશ્વમાં પોતાનું સ્થાન અંકિત કર્યું છે.
Monday, January 27, 2020
New