ગાંધીધામ નગરપાલિકામાં કેટલીક વખત નિયમિત રીતે અધિકારી અને પદાધિકારીઓનું ચેકીંગ થતું ન હોવાને કારણે લાલીયાવાડી જેવો વહીવટ થઇ જતો હોય તેવી બૂમરાડ ઉઠે છે. જેને લઇને લોટ, પાણી અને લાકડાના વહીવટને છૂટો દોર મળતો હોવાની આશંકા ઉભી થતી હોય છે. હેમાંગ પટેલના દવાખાનાથી સુંદરપુરી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં રોડ, ડીવાઇડર, ગટરલાઇન નાખવા સહિતના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આજે તુટેલા પાઇપનો ઉપયોગ થતો હોવાની ફરીયાદને લઇને એક નાગરીકે નબળા કામનો આક્ષેપ કર્યો છે. પાલિકામાં ચાલતા કામોમાં ફરીયાદો ઉઠતી હોય છે. કેટલાક કામો સારા થાય છે પરંતુ બીજા થઇ રહેલા કામોમાં થર્ડ પાર્ટી કે અન્ય કોઇની દેખરેખના અભાવે ચાલતા વહીવટમાં તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ જેવી નીતિ અપનાવવામાં આવતી હોય છે. સુંદરપુરીના ચાલતા કામમાં આજે તુટેલા પાઇપનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવતા નાગરીક લતીફ ખલીફાએ વિરોધ નોંધાવ્યો હતો અને પાછળથી આ કામમાં પાઇપ વાપરવામાં આવ્યો ન હતો. અન્ય નબળું કામ થયું હોવાની ફરીયાદની તપાસ થવી જોઇએ.
