છેક છેવાડાના ક્ષેત્રમાં રહીને સામાન્ય પરંતુ અસામાન્ય કામ દ્વારા સમાજ માટે નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યકિતઓ સુધી પદ્મ જેવું દેશનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન પહોંચી રહ્યું છે. કચ્છને લાગલગાટ સતત બીજે વર્ષે પદ્મ પુરસ્કાર જાહેર થયો છે. આ વર્ષે નારાયણ જોશી 'કારાયલ' ને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો છે. નારાયણ જોશી એ 'કારાયલ' ના ઉપનામ દ્વારા કચ્છી સાહિત્ય સાથે સંકળાયેલા છે. નખત્રાણાના વિગોડી ગામમાં રહે છે.
ગત વર્ષે ભુજના નિરોણા ગામે રહેતા રોગાન કલાના કસબી અબ્દુલ ગફુર ખત્રીને પદ્મશ્રી નું સન્માન પ્રાપ્ત થયું હતું. બિન કચ્છી લોકો પણ કચ્છી ભાષા શીખી શકે તે માટે કચ્છી પાઠાવલી ભાગ ૧/૨ નું તેમણે સર્જન કર્યું છે. તેમ જ છેલ્લા ૨૦ વર્ષથી તેઓ આ પાઠાવલી નો કોર્સ કરનારા માટે કચ્છી જાણ સુજાણ પરીક્ષા લે છે. મેટ્રિક ભણેલા નારાયણ જોશી પ્રાથમિક શિક્ષક તરીકે નિવૃત થયા છે. ૭૮ વર્ષના નારાયણ જોશી 'કારાયલ' પોતાને મળેલા સન્માનને કચ્છી સાહિત્યનું સન્માન માને છે.
